અવશ્ય પાળવા યોગ્ય નિયમો

પરિણતિ પર્વ ઉપધાન 2027

  1. 1.ઉપધાનતપ જીવનમાં એક જ વાર કરી શકાતી મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. આ ક્રિયા જો યોગ્ય રીતે કરવામાં આવે તો, આત્માની દશા અને પ્રગતિની દિશા બંને બદલી શકાય તેમ છે. તેથી સંપૂર્ણ આત્મશુદ્ધિ સાથે ક્રિયા કરવા માટે પધારવું.
  2. 2.આ ક્રિયા સંયમજીવનનો રસાસ્વાદ માણવા માટે છે. જો આ ક્રિયાને વ્યવસ્થિત રૂપમાં આરાધવામાં આવે તો શ્રાવકજીવનમાં રહીને પણ જાણે સર્વવિરતિની નિર્મળતા અને પ્રસન્નતાનો આંશિક અનુભવ કરી શકાય છે. તેથી समणो इव सावओ हवइ जम्हा એ શાસ્ત્રપંક્તિને ઘૂંટવાના લક્ષ્ય સાથે પધારવું.
  3. 3.ઉપધાન તપમાં પધારવા માટે સંમતિપત્ર અનિવાર્ય રહેશે.
  4. 4.ઉપધાન તપ શરૂ થવાના લગભગ 15 દિવસ પૂર્વે આપને એક સૂચનાપત્ર મોકલવામાં આવશે. જેમાં એ 15 દિવસ માટે ડાયેટ પ્લાન, માનસિક શુદ્ધિ માટે કરવાની જાપ વગેરે ક્રિયા, શારીરિક કેળવણી માટે કરવા યોગ્ય વર્કઆઉટ વગેરે આપવામાં આવ્યા હશે. ઉપધાન તપની વાસ્તવિક પ્રસન્નતા માણી શકાય એ માટે એ સૂચનાપત્રને ચોકસાઈથી અનુસરવું.
  5. 5.વિધિપૂર્વક ઉપધાન કરવાનાં છે. તેથી મોબાઇલ વગેરે સાધનોનો સીધો કે પરંપરાએ પણ ઉપયોગ કરાવી શકાશે નહીં. અતિ આવશ્યક પ્રયોજન હોય તો પૂજ્ય ગુરુભગવંતની રજા લઈને સ્વયંસેવક ભાઈ-બહેનોને સૂચના આપી શકાશે. તેઓ યોગ્ય વ્યક્તિને તમારો સંદેશો પહોંચાડી દેશે.
  6. 6.ઉપધાનમાં વસ્ત્રશુદ્ધિ, પાત્રશુદ્ધિ, ઉપકરણશુદ્ધિ વગેરે આવશ્યક છે.
  7. 7.ચરવળો, મુહપત્તિ, કામળી, આસન વગેરે દરેક ઉપકરણોનો સામાચારી પ્રમાણે ઉચિત ઉપયોગ કરવાનો રહેશે. એમાં થતી ભૂલના પ્રાયશ્ચિત્તરૂપમાં પૂજ્ય ગુરુભગવંત ઉપધાનમાંથી બહાર થવા સુધીની આજ્ઞા ફરમાવી શકશે.
  8. 8.વાચના, ધ્યાનસાધના, પ્રભુભક્તિ, વિવિધ અનુષ્ઠાનો, ક્રિયા, જાપ વગેરેમાં ઉત્સાહપૂર્વક સ્વયં જોડાવાનું રહેશે.
  9. 9.ઉપધાન તપ આત્માભિમુખતા કેળવવા માટે હોય છે. તેથી આ દિવસોમાં બને તેટલું મૌન રાખવું આપના માટે હિતાવહ રહેશે. સ્વજનો-પ્રિયજનો સાથેનો સંપર્ક બને તેટલો ઓછો રહે એ ઇચ્છનીય છે. શાતા પૂછવા આવનાર વ્યક્તિને આરાધનામાં જોડવાનું લક્ષ્ય રાખવું. એ આપણી પાસેથી સંયમજીવનની મીઠાશ લઈને જાય એવું થવું જોઈએ. એ એમનો સંસાર આપણી પાસે મૂકીને જાય એ ન ચાલે.
  10. 10.આયોજક પરિવાર ખૂબ ઊંચી ભાવના ધરાવે છે. તેથી આપની નીવિ-આયંબિલ વગેરે ભક્તિ ખૂબ ઉત્તમ દ્રવ્યોથી થશે. પણ આપનું લક્ષ્ય બને તેટલી નિરીહતા અને સંયમ કેળવવાનું હોવું જોઈએ.
  11. 11.આપનું આરોગ્ય, શારીરિક સ્થિતિ, જરૂરિયાતો વગેરે સમજીને આપને બધી જ ઉચિત સગવડ આપવામાં આવશે. પરંતુ આપ કોઈ પણ વાત માટે સ્વયંસેવક ભાઈ-બહેનો કે કર્મચારી વર્ગ સાથે ક્લેશ ન કરશો. આપની તમામ ફરિયાદોનો યથાશક્ય ઝડપી નિકાલ કરવામાં આવશે. પરંતુ આપની પાસે પણ ધીરજની અને સમજણની અપેક્ષા રહેશે.

મંડન પરિવારના સબહુમાન પ્રણામ અવધારશો.

નોંધણી ફોર્મ ભરો