તારો નશો ઓરિજનલ | નૈતિક મહેતા

વર્ણન

આ ગીત દર્શાવે છે કે ભક્ત કેવી રીતે દિવ્યની યાદમાં મોહીત, આનંદિત અને એકાગ્ર થાય છે, અને પરમાત્માના અસાધારણ ગુણોની સ્તુતિ કરે છે.

તારો નશો જ્યાં છવાઈ ગયો રે...

તારો નશો જ્યાં છવાઈ ગયો રે...

માયા જે હતી જગતની વહી ગઈ રે...

તારો નશો જ્યાં છવાઈ ગયો રે...


ભીની સુગંધ મનમાં શ્વસે

તો મારી ઇચ્છા બહેકી ઊઠે...

મનમંદિરે જો તું વસે

તો મારું હોવું મહેકી ઊઠે...

માયા જે હતી જગતની વહી ગઈ રે...

તારો નશો જ્યાં છવાઈ ગયો રે...


હૈયામાં, લાગણી એવી ધબકે છે

કે ચાહત જે મારી, તુજમાં જ અટકે છે

આંસુમાં કહી છે મેં મારી વ્યથા તો

શબ્દોમાં હું શું બતાવું?

તારામાં સમાઈ છે મારી કથા તો

કાગળ પર શું લખાવું?

મારી મમતા એષણા ને વાસના

બધી વિલાઈ ગઈ...

માયા જે હતી જગતની વહી ગઈ રે...

તારો નશો જ્યાં છવાઈ ગયો રે...


મજબૂરી, તીણું તીણું ચૂભતી’તી

તું ન હતો એ લાચારી, ઝીણું ઝીણું ખૂંચતી’તી

થઈ દુનિયાની મારી લેણ-દેણ પૂરી

અજબ બની મગરૂરી

હવે ઓળખી મેં જાત સનૂરી

વાત ન રહી અધૂરી

અહનિશ નિશદિન હરપળ હરદમ

સ્વર્ગ વસાવી લીધું...

માયા જે હતી જગતની વહી ગઈ રે...

તારો નશો જ્યાં છવાઈ ગયો રે...