વર્ણન
અદ્ભુતમ્ શબ્દનો શાબ્દિક અર્થ અદ્ભુત, આશ્ચર્યજનક અથવા અતિ સુંદર એવો થાય છે. આ ગીતના સંદર્ભમાં, આ શબ્દ ભગવાન અથવા તીર્થંકરોના દિવ્ય ગુણો પ્રત્યેની વિસ્મયભરી ભાવના અને ગહન શ્રદ્ધા વ્યક્ત કરે છે — જે દર્શાવે છે કે દિવ્ય સત્તા કેટલી અનન્ય, અતુલનીય અને આત્મિક રીતે ઉન્નતિ આપનારી છે.
ગીત ના બોલ
આવું જોયું નથી ખૂબસૂરત કંઈ
મૂર્તિ જાણે પ્રસન્નતા જીવતી થઈ
મૂર્તિ જાણે મહેકે કો’ ધૂપસળી
મૂર્તિ જાણે સુધાની એ પ્યાલી ઢળી
મૂર્તિ જાણે ગુલાબની ખીલતી કળી
મૂર્તિ જાણે કપૂરની ઢગલી વળી
મૂર્તિ જાણે સુવર્ણની ધારા ગળી
મૂર્તિ જાણે સૂરોની સુસંગત મળી
મૂર્તિ જાણે સહકારની મંજરી ફળી
ચાંદની ચાંદની, રોશની રોશની...
ઉપમા સઘળીયે ત્યાંથી તો પાછી પડે
અદ્ભુતમ્ અદ્ભુતમ્! અદ્ભુતમ્ અદ્ભુતમ્!
તારી દૃષ્ટિ મળે, તો તું પણ કહે
અદ્ભુતમ્ અદ્ભુતમ્! અદ્ભુતમ્ અદ્ભુતમ્! ઉપમા...
બાંધ્યો જાણે એણે કેવો કામણ-તંત!
મન મારું વશીકૃત થયું પરતંત
રમણીય કમનીય હામ દામ ઠામ
સઘળુંયે બલિહારી જાઉં એણે નામ
મનડું મોહી લીધું ચિત્તડું તો ચોરી લીધું
ઓગળી ગઈ ગુમનામ...
અદ્ભુતમ્ અદ્ભુતમ્ અદ્ભુતમ્!
અદ્ભુતમ્ અદ્ભુતમ્ અદ્ભુતમ્!
મુખડું સરોવરની વાતી ભીની હવા
મુખડું કારુણ્યની શીળી મીઠી દુઆ
મુખડું જાણે ઝાકળ, મુખડું છાઈ વાદળ
મુખડું જાણે કેસર, મુખડું જાણે કમળ
મુખડું જાણે માધુર્યનો સંચય થયો
મુખડું લાવણ્યનો પુંજ પિંડિત થયો
મુખડું મારા ઉદ્ધારની જાદુઈ કથા
મુખડું સ્નેહલ ઘટા, મુખડું સ્વપ્નિલ છટા
મુખડું શોભા નિરાળી વ્હાલપભરી
અંબરી અંબરી, શંકરી શંકરી...
ઉપમા સઘળીયે ત્યાંથી તો પાછી પડે
અદ્ભુતમ્ અદ્ભુતમ્! અદ્ભુતમ્ અદ્ભુતમ્!
તારી દૃષ્ટિ મળે, તો તું પણ કહે
અદ્ભુતમ્ અદ્ભુતમ્! અદ્ભુતમ્ અદ્ભુતમ્! ઉપમા...
આંખો જાણે કે સૂર્યનું પહેલું કિરણ
આંખો જાણે કે મમતાનું વહેતું ઝરણ
આંખો ખૂલી ગઈ તો સુધા થઈ ગઈ
આંખો ઢળી ગઈ તો ક્ષમા થઈ ગઈ
આંખો લળી ગઈ તો શોભા થઈ ગઈ
આંખો પલળી ગઈ તો કૃપા થઈ ગઈ
આંખો બાંધે બંધન, આંખો નિગડ-મોચન
આંખો પ્રેમ-પરાગ, આંખો ગુણોનો બાગ
આંખો કામણની તિર્છી બરછી ચલી
સંગીની સંગીની, રંગીની રંગીની...
ઉપમા સઘળીયે ત્યાંથી તો પાછી પડે
અદ્ભુતમ્ અદ્ભુતમ્! અદ્ભુતમ્ અદ્ભુતમ્!
તારી દૃષ્ટિ મળે, તો તું પણ કહે
અદ્ભુતમ્ અદ્ભુતમ્! અદ્ભુતમ્ અદ્ભુતમ્! ઉપમા...