વર્ણન
આ ગીતનો મુખ્ય ભાવ એ છે કે ભક્ત પોતાના અંતરમાં દિવ્ય કૃપાનો પ્રવાહ અનુભવે છે — જે મનને શાંતિ, આનંદ અને આધ્યાત્મિક જાગૃતિ આપે છે. “કૃપા તારી…” પર વારંવાર મૂકાયેલો ભાર એ દર્શાવે છે કે પરમાત્માની કૃપા જ હૃદયને શાંત, આનંદિત અને સંતોષપૂર્ણ બનાવે છે.
ગીત ના બોલ
ભંતે! તારી પ્રેમકથા છે અનન્ય ખરી
આહ્લાદક ને વાત્સલ્યના સારથી ભરી × 2
ચરણે હું જે ઢળ્યો, ઉન્નતિ એ રળ્યો
ચમત્કૃતિ આ કેવી બની!
કરું હું ગાન, તું છે મહાન!
કૃપા તારી, મંડન મારું,
સર્વસ્વ સઘળું તુંને ધારું × 2
કૃપા તારી... કૃપા તારી...
થોડી લાલચ નડી છે, થોડી ભૂલો પડી છે,
પણ તું સ્વને જોડતી કડી છે...
બોધની અંજન-સળી છે, શ્રદ્ધા સુમન કળી છે,
હૈયે ઠંડક અજબ વળી છે
લાગણી એ મળી, ઋતુઓ છ ફળી
ચમત્કૃતિ આ કેવી બની!
કરું હું ગાન, તું છે મહાન!
કૃપા તારી, મંડન મારું,
સર્વસ્વ સઘળું તુંને ધારું × 2
કૃપા તારી... કૃપા તારી...
મોહનું મર્દન કર્યું છે, મનનું માર્જન કર્યું છે
આત્માનું દરિશન કર્યું છે...
સતનું સર્જન થયું છે, શ્રીનું અર્જન થયું છે
દૈન્ય-વિસર્જન થયું છે
હાથ થામી ચાહ્યો, તુજ કરુણાએ નાહ્યો
ચમત્કૃતિ આ કેવી બની!
કરું હું ગાન, તું છે મહાન!
કૃપા તારી, મંડન મારું, સર્વસ્વ સઘળું તુંને ધારું × 2
કૃપા તારી... કૃપા તારી...
બસ મારી એક યાચના, સુણજો મારી પ્રાર્થના
રાખો શ્રીચરણમાં મને, નહીં તરછોડશો તમે
તારા શરણમાં હું રમું, દેવાધિદેવને ગમું
જલધિ આનંદનો જડ્યો, હું તમને આવી મળ્યો...